વચનામૃત ગઢડા મધ્યનું - ૮

સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાળ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.

       પછી શ્રીજીમહારાજ સંતો પ્રત્યે બોલ્યા જે, (૧) એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે, પૂર્વે ભગવાન દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા તે સમયમાં નાડીજંઘનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે મુરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો જે, તું મને વર્ય. પછી કન્યા બોલ્યાં જે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે, જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મુરદાનવને ને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મુરદાનવનું મસ્તક ખડ્‌ગે કરીને કાપી નાખ્યું, પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું જે, તું વર માગ્ય. ત્યારે તે કન્યાએ વર માગ્યો જે, મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વી છું માટે મારા વ્રતને દિવસ મન આદિક જે અગિયાર ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહિ, એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે, એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થાવા દેવા નહિ અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહિ એમ શાસ્ત્રમાં વચન છે અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે, એકાદશીને દિવસ ઢોરલાંઘણ કરવી નહિ અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી ને તે વિના તો ઢોરલાંઘણ કહેવાય, અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમ જ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે અને નેત્રને રૂપનો આહાર છે અને જિહ્‌વાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે અને મનને સંકલ્પ-વિકલ્પનો આહાર છે, એવી રીતે અગિયારે ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશીવ્રત કહેવાય પણ અગિયારે ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો અગિયારે ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહિ એવું વ્રત પંદર દિવસમાં એક વાર આવે છે તે ખબડદાર થઈને કરવું તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, પણ તે વિના જે ઢોરલાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થાતા નથી અને શ્વેતદ્વીપમાં જે નિરન્ન મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે; ક્યારેય પણ એ વ્રતનો ભંગ થાવા દેતા નથી માટે નિરન્ન કહેવાય છે અને આપણે પણ ઇચ્છા તો એમ રાખવી જે જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું જ થાવું છે પણ એ વાતમાં હિંમત હારવી નહિ, એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા-કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. (૧)

એટલી વાત કરીને શ્રીજીમહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યાં. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું જે, તમો સર્વે યજ્ઞ કરજ્યો ને તે યજ્ઞે કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થાશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થાશે માટે યજ્ઞ તો જરૂર કરજ્યો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સોતા બતાવ્યા તેમાં જે પ્રવૃત્તિમાર્ગવાળા હતા તેને તો રાજસી-તામસી એવા પ્રવૃત્તિમાર્ગના યજ્ઞ બતાવ્યા અને જે નિવૃત્તિમાર્ગવાળા હતા તેને તો સાત્ત્વિક યજ્ઞ બતાવ્યા, તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્‌ગીતાને વિષે પણ કહ્યા છે માટે આપણે તો નિવૃત્તિમાર્ગવાળા છીએ તે આપણે તો સાત્ત્વિક યજ્ઞ કરવા પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી-તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. તે સાત્ત્વિક યજ્ઞની રીત જે દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મઅગ્નિને વિષે હોમવા એનું નામ યોગયજ્ઞ કહેવાય, અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમ જ એ યોગયજ્ઞના કરનારાના અંતરને પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે એ યોગયજ્ઞનું ફળ છે. (૨) અને અંતર્દૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે અંતર્દૃષ્ટિ તે શું ? તો તેનો ઉત્તર એ છે જે બહાર અથવા માંહીલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતર્દૃષ્ટિ છે અને તે વિના તો અંતર્દૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે, માટે બહાર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનનાં કથા-કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતર્દૃષ્ટિ છે અને એ સર્વે જ્ઞાનયજ્ઞ થાય છે અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન-વંદનાદિક જે જે કરવું તે પણ અંતર્દૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. માટે સત્સંગીમાત્રને તો એવો અખંડ જ્ઞાનયજ્ઞ થાય છે અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થાતી તે તો પરમેશ્વરની ઇચ્છાએ કરીને એમ રહ્યું છે અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે, ગોપિકાના અંગનાં કીર્તન હોય તે રહેવા દ્યો ને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરાં, ગધેડાં ઇત્યાદિક સર્વે નિર્ગુણ કહેવાય, માટે એ તો મૂર્ખની સમજણ છે, અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે, ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે અને જે જે કથા-કીર્તનને વિષે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય અને જે કથા-કીર્તનને વિષે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તોપણ નિર્ગુણ ન કહેવાય અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તોપણ તે નિર્ગુણ કહેવાય અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય, માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહિ અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્યે કરીને થાતો નથી; એ તો શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે : ।। अनेक जन्म संसिद्धस्ततो याति परां गतिम् ।। એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે તે પરમપદ તે શું ? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રીકૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે :

ममैवांशो जीवलोके जीवभूत: सनातन: ।

मन: षष्टानीद्रियाणि प्रकृतिस्थानि कर्षति ।।

એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાન-ઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લેઈ જાય છે, માટે આપણ સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી તો જો ભગવાનના અંશ છીએ, એવું જાણીને અતિશે આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થાતું નથી; અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ ને નારદ પંચરાત્ર એ આદિક સર્વે સત્‌શાસ્ત્રનો એ જ સિદ્ધાંત છે જે, યજ્ઞ રહિતનું કલ્યાણ થાતું નથી, માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે, એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો; અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું, અને નિરન્ન મુક્ત જેવા થાવાની અતિશે ઇચ્છા રાખવી પણ શ્રદ્ધા રહિત થાવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૧૪૧)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે એકાદશીનું વ્રત કરવાની વિક્તિ કહી છે. (૧) બીજામાં ઇન્દ્રિયોને પાછા વાળીને આત્માને વિષે રાખે તે યોગયજ્ઞ છે અને આત્મામાં મૂર્તિ દેખાય એ યોગયજ્ઞનું ફળ છે. (૨) અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેને વિષે પરબ્રહ્મ એવા જે અમે તે અમારો સાક્ષાત્કાર થાય તે જ્ઞાનયજ્ઞનું ફળ છે અને પોતાના આત્માને વિષે અમારું દર્શન થાય ત્યારે જ જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ પૂરો જાણવો એમ કહ્યું છે. (૩) બાબતો છે.

       પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિ ધાર્યા વિના અંતર્દૃષ્ટિ કરીને બેઠો છે તોપણ બાહ્યદૃષ્ટિ જ છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે મૂર્તિ વિના અંતર્વૃત્તિએ બીજું શું જોતો હશે ? અને બહાર અથવા માંહી મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ કહી તે બહાર માંહી કેવી રીતે મૂર્તિ જોવી ?

       ઉ. ઉપાસના વિનાનો કેવળ આત્મનિષ્ઠ હોય તે આત્માને જોવાની ઇચ્છાથી ધ્યાન કરતો હોય તે પણ બાહ્યદૃષ્ટિવાળો છે, કેમ જે મૂર્તિની ઉપાસના વિના આત્મા પણ દેખાય નહિ અને મૂર્તિથી બહાર રહીને મૂર્તિ જોવી અથવા મૂર્તિને અંદર રહીને જોવી એ પરભાવની અંતર્દૃષ્ટિ છે. અને આત્માને માંહી ને આત્માથી બહાર મૂર્તિ જોવી તે અવરભાવની અંતર્દૃષ્ટિ છે.

૨      પ્ર. ઇન્દ્રિયોના દોર્યા ન દોરાય તેને ભગવાનના અંશ કહ્યા તે અંશ કેવી રીતે જાણવા ?

       ઉ. ભગવાન સ્વતંત્ર છે તે સ્વતંત્રપણાનો અંશ જેમાં આવે તે ઇન્દ્રિયો-અંતઃકરણને વશ રાખે એવા ભક્ત થાય માટે અંશ કહ્યા છે.

       પ્ર. જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો એમ કહ્યું અને વળી નિરન્ન મુક્ત જેવા થવાની ઇચ્છા રાખવી એમ કહ્યું તે નિરન્ન મુક્ત તો વાસુદેવના ભક્ત છે અને આપણે તો તેથી પર જે અક્ષરકોટિ ને તેથી પર જે શ્રીજીમહારાજના મુક્ત છે તેવું થાવું છે અને શ્વેતદ્વીપના મુક્ત જેવું થાવું એમ કહ્યું તે કેમ સમજવું ?

       ઉ. જે શ્વેતદ્વીપના મુક્ત વાસુદેવ ભગવાનની મૂર્તિને સદાય દેખે છે તેમ તમે સર્વે તમારા આત્માને વિષે અમારી મૂર્તિ દેખો ત્યારે તમારું પૂરું થયું એમ માનજ્યો એમ કહ્યું છે. ।।૮।।